
દિન પ્રતિદિન મોંઘવારી વધતી જ જાય છે. વધતી જતી મોંઘવારીને લીધે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ગુજરાન ચલાવવું અઘરું થઈ રહ્યું છે.

આપણા દેશમાં કૂદકે ને ભૂસકે વસ્તી વધતી જાય છે. વધતી જતી વસ્તીના પ્રમાણમાં અનાજ ઉત્પન થતું નથી. વળી દેશનાં કોઈ ને કોઈ વિસ્તારમાં દર વર્ષે દુકાળ,વાવાઝોડું અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવ્યા જ કરે છે એટલે અનાજની ભયંકર અછત પડે છે. અનાજ ની અછતને લીધે તેનાં કાળાબજાર અને સંગ્રહખોરી થાય છે. આથી જીવનજરૂરી વસ્તુઓમાં ભાવ-વધારો થાય છે. વળી આપણે અનાજની અછત ને પહોંચી વળવા માટે બહારથી અનાજ આયાત કરવી પડે છે. આ અનાજ આપણને મોંધુ પડે છે.અનાજના ભાવવધારની અસર બીજી ચીજવસ્તુઓ પર પણ થાય છે. તેથી શાકભાજી, ફળો, ફરસાણ, તેલ, ધી જેવી જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓના ભાવો વધે છે.

મોંઘવારી વધતા સરકાર પોતાના કર્મચારીઓને અને ઉત્પાદકો પોતાના મજૂરોને મોંઘવારી ભથ્થું વધારે આપે છે. તેની સાથે ઉત્પાદકો પોતે ઉત્પન્ન કરેલી વસ્તુઓની કિંમત અને સરકાર પેટ્રોલ-ડીઝલ જેવી વસ્તુઓના ભાવ વધારી દે છે.
” સાત સાંધો ને તેર તૂટે ” તેવી પરિસ્થિતિમાં ઈશ્વર પરથી લોકોની શ્રદ્ધા અતૂટ રહે છે.

મોંઘવારી ઘટાડવા માટે સંગ્રહખોરી, નફા-ખોરી અને કાળાબજાર જેવી બદીઓ અટકાવવી જોઈએ. સિંચાઈ યોજનાઓ વધારીને અનાજનું ઉત્પાદન વધારવું જોઈએ. વસ્તી વધારાને અંકુશમાં લેવા કુટુંબનિયોજનને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રજાને પણ બિનજરૂરી ખર્ચા ન કરવા જોઈએ.
સરકાર અને પ્રજાના સહિયારા પ્રયત્નોથી જ મોંઘવારીને કાબૂમાં રાખી શકાય.