
દેશના મોડેલ સ્ટેટમાં સામેલ ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રખડતા ઢોરનો આંક હવે લાખોને પાર થઇ ગયો છે. દેશમાં સૌથી વધુ રખડતા ઢોર ધરાવતા રાજ્યોમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ચોથા સ્થાને છે. મે ૨૦૧૮માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ‘એક વર્ષમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરાશે.’ પરંતુ આ પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો નથી.

રખડતા ઢોરની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી દેશવાસીઓને સતાવી રહી છે. હાઇકોર્ટે પણ આ મુદ્દાને ગંભીર ગણી અનેકવાર તંત્રની સામે લાંલ આખ કરી છે. કોર્પોરેશને એવી ખાતરી આપી હતી કે એક વર્ષમાં રખડતા ઢોરની સમસ્યા દૂર થઈ જશે પણ તેનું પાલન થયું નથી. હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ગાયો રસ્તા વચ્ચે બેસેલી કે દોડતી જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા અચાનક ગાય આવી જાય ત્યારે વાહનચાલક મુશ્કેલીમાં મુકાય છે. ગાયો ક્યારેક ઇજા પણ પહોચાડે છે. ટ્રાફિક જામ પણ તેનાથી થાય છે.

શહેરનો વિકાસ થતા ગૌચર ઘટી રહી છે આ મુદો પણ રખડતા ઢોર માટે જવાબદાર છે ત્યારે રખડતા ઢોરની સમસ્યા હલ કરવા મહાનગરપાલિકા દ્વારા શહેર બહાર પશુઓ માટે હોસ્ટેલ બનાવાની વાત કરવામા આવી હતી પરંતુ તે અંગે હજુ કોઇ અમલીકરણ કરાયુ નથી વિપક્ષે આ બાબતની ટીકા કરી છે. ગુજરાતમાં રખડતા ઢોરની સંખ્યા ૨૦૧૨માં ૨.૯૨ લાખ હતી અને ૨૦૨૦માં વધીને ૪ લાખને ઉપર થઇ ગઇ છે. આમ, ૮ વર્ષમાં રખડતા ઢોરની સંખ્યામાં ૧૫%થી વધુનો વધારો નોંધાયો છે. દેશમાં સૌથી વધુ રખડતા ઢોર ધરાવતા રાજ્યોમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત ચોથા સ્થાને છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારના રખડતા ઢોરને પકડવામાં આવે છે. પરંતુ તેને છોડાવવા માટે તેમના માલિકો ઉદાસીન વલણ દર્શાવે છે.

ઢોરને રસ્તા પર રખડતા મૂકવા તે ગુનો છે અને તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડીને ઢોર પૂરવાના ડબ્બામાં લઇ જવાય છે. આ પશુઓને છોડાવવા માટે નિયમ મુજબ કાર્યવાહી કરવાની હોય છે. જેના ભાગરૂપે માલિકો પાસેથી રૂપિયા ૩ હજારનો દંડ લેવામાં આવે છે. રૂપિયા ૫૦૦ની ખાધાખોરાકી-રૂ.૫૦૦નો વહિવટી ચાર્જ લેવાય છે. ઢોર જે દિવસે પકડાય તે જ દિવસે છોડવામાં આવે તો પ્રતિદિન ઘાસચારાના રૂ. ૫૦૦ તેમજ વહિવટી ચાર્જના રૂ. ૫૦૦ લેવાય છે. આ સ્થિતિમાં પશુપાલક પર રોજના રૂ. ૧ હજાર ચઢતા જાય છે.

રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા તંત્ર દ્વારા આર.એફ.આઇ.ડી. ચીપ લગાવવા નિર્ણય કરાયો હતો. આ ચીપમાં પશુના માલિક, આ પશુ કેટલી વખત પકડાયું તેવી માહિતી હોય છે. ૨૦૨૦ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ હજુ તે ક્યારે પૂરી થશે તેની સામે મોટો સવાલ છે.